Tuesday, 27 June 2017

છંદ

*છંદ : મનહર*

નેતાજીનાં ખેલ કેવાં, હૈયાં રાખે મેલ જેવાં,
મંદિરોમાં આવજાવ, કરવાં બેકાર છે,

કાવાદાવા આટાપાટા, સંબંધોને રાખે ખાટા,
બોલી એવી મીઠી જાણે, રણકે સિતાર છે,

નારી જોઈ માન ધરે, દેહનાં એ સોદા કરે,
દ્રષ્ટિ એવી ગંદી જાણે, બિલ્લીનો શિકાર છે,

સુગંધી અત્તરો છાંટે, શિષ્ટનાં દેખાવા માટે,
ગમેતેવો ફરે છતાં, વિચારો બીમાર છે,

દારૂ પીએ બીડી પીએ, વિરોધી થાતો ટીવીએ,
તમાકુ છોડોનાં શબ્દો, ગોખેલાં બે-ચાર છે,

આડે હાથે પૈસા એંઠે, જનતા મુશ્કેલી વેઠે,
પડેલી કોને છે અહીં, જલસા અપાર છે,

કે' છે 'અકલ્પિત' આ તો, નાના મોઢે મોટી વાતો,
નેતાજી તો સાચા નથી, જુઠ્ઠાણાં પ્રચાર છે.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment