Saturday, 29 July 2017

ગઝલ

થયો હું પૂર્ણ જ્ઞાની - ત્યારે , સાચું મુજને જ્ઞાન આવ્યું -
નથી હું જાણતો કંઈ , એ કબૂલ કરવાનું ભાન આવ્યું !

મળી પાંખો તો આંખોમાં સકળ આ આસમાન આવ્યું ,
તૂટી પાંખો તો ધરતીને ખૂણે અલ્લાહનું ધ્યાન આવ્યું .

અધૂરો રહી ગયો હું , પૂર્ણ થાવાની ઉતાવળમાં ,
મૂકેલું ધોધ નીચે પાત્ર જોતા , મુજને ધ્યાન આવ્યું .

આ વૈભવની ગગનચૂંબી ઇમારતની અગાશી પર  -
અચાનક , યાદ વર્ષોથી ભૂલાયેલું ઈમાન આવ્યું .

હતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા  -
મને આડું સ્વમાન આવ્યું , તને આડું ગુમાન આવ્યું ?

કિનારો નાવ ને નાવિક ; ગયા અન્યોના હિસ્સામાં -
અમો નાદાનના ભાગે તો કેવળ આ તૂફાન આવ્યું !

સફર થઈ ગઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં  ;
પ્રથમ તારું મકાન આવ્યું , પછી સીધું મશાન આવ્યું .

ચરમ સીમા હતી  'કાયમ', એ મારી કમનસીબીની
જીવનના અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું !

કાયમ હજારી
મોરબી

No comments:

Post a Comment