Friday, 14 July 2017

ગઝલ

આગમનિગમ ન્યાળી બેઠાં,
ભીતર ભેદ શું ભાળી બેઠાં.

નાવ લઈ નખરાળી બેઠાં,
ઊંડો સમદર પાળી બેઠાં.

સૌ  સૌનું  સંભાળી બેઠાં,
બાજોઠે બળશાળી બેઠાં.

પીડ મૂકી પરભવની પેલી,
પોપટ  મેના  પાળી બેઠાં.

આ તે કેવી સંતાકુકડી,
પોતે દઈને તાળી બેઠાં.

હું તારામાં, તું મારામાં,
ખુદથી ખુદ કંટાળી બેઠાં.

આપ મળ્યા એકલ રસ્તે,તો,
સઘળા  સપના  ટાળી  બેઠાં.

ખુદના અશ્રુઓથી ખુદને,
આમ કેવા ખંગાળી બેઠાં.

નીચી નજરે જોતાં જોતાં,
આપ નજર ઉલાળી બેઠાં.

ધગધગતી  ધૂણી ભીતરમાં-
લેઈ અલખ જંજાળી બેઠાં.

જે પોઢ્યા કબરોમાં બંદા,
લઈને સેજ સુંવાળી બેઠાં.

વૃક્ષો છીએ ફળ આવ્યા,ને
વાડ   કરી   કાન્ટાળી  બેઠા.

ઠારી  બેઠા   આપ હ્રદય ત્યાં,
હૈયું અમે અહીં બાળી બેઠાં.

મારામાં હું ખાલી ખખડું,
મારામાં શું ભાળી બેઠાં.

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment