વચ્ચે : તરહી
હું મરવા જીવવાની વચ્ચે!
કે ડૂબવા તરવાની વચ્ચે!
જે બોલ્યો ખોવાઈ ગયું છે
ખીણ અને પડઘાની વચ્ચે! #
સપનાંઓને સંતાડયા છે
પાંપણના પરદાની વચ્ચે!
શું જોયું ઝળહળ મેં, આંખો
બંધ થઈ ખૂલવાની વચ્ચે!
ઘંટીનાં બે પડ વચ્ચે છું!
શોધી લો દળણાની વચ્ચે!
મૂંઝાઉં, ખાલી ખાલી છું
મત્લા ને મકતાની વચ્ચે! ##
એક એકડો થઈ બેઠો છું
હજ્જારો મીંડાની વચ્ચે! ###
ભમ્મરડાની જેમ સ્થિર હું
ફરવા ના ફરવાની વચ્ચે!
કાણી મટકી અટવાઈ છે
ભરવા ના ભરવાની વચ્ચે!
કરવાનું શું તું જ કહી દે
કરવા ના કરવાની વચ્ચે!
માત્ર શ્વાસનો ફરક રહ્યો છે
જીવવા ને મરવાની વચ્ચે!
- હરિહર શુક્લ
૧૧-૦૭-૨૦૧૭
- આપેલ રદીફ કાફિયા પરથી
# તરહી પંક્તિ
## ભરત ભટ્ટની પંક્તિ
### પ્રેરણા : અયુ
No comments:
Post a Comment