0 વચ્ચે 0
---------------------0 ભરત ભટ્ટ
ખીણ અને પડઘાની વચ્ચે,
પંથ રહ્યો પગલાંની વચ્ચે.
લોક હજી અફવાની વચ્ચે,
સાચા ને ખોટાની વચ્ચે.
તે બાજુ હું અરધે પરધે,
આ બાજુ રસ્તાની વચ્ચે.
નગર વચોવચ તું નીકળે છે,
હું ઊભો વગડાની વચ્ચે.
ક્યાં સુધી કેવું જીવાશે,
પળ હો પરપોટાની વચ્ચે.
અમથું, અમથું, અમથું, અમથું,
જીવતર છે અમથાની વચ્ચે.
આડા કે ઊભાની વચ્ચે,
જીવ રહ્યો ટેકાની વચ્ચે.
તારી મારી બાજી છે આ,
હાર-જીત પત્તાંની વચ્ચે.
તડકે તડકે તું વરસે છે,
હું બેસું છાયાની વચ્ચે.
શ્વાસ તણખલાના તંબુ છે,
છે પાછા તણખાની વચ્ચે.
હું અટવાયો મારી ભીતર,
જમણા ને ડાબાની વચ્ચે.
શાયરની ગઝલો ઝૂલે છે,
મત્લા ને મક્તાની વચ્ચે.
No comments:
Post a Comment