Tuesday, 10 October 2017

ગઝલ

પહાડ ઊભો છે અડીખમ હજુ સુધી,
એટલે ઝરણું છમાછમ હજુ સુધી.

ઈશ્વરે પણ ક્યાં ઘડ્યું છે બીજું હૃદય,
દીકરી જેવું નિરૂપમ હજુ સુધી !!

વાળની મારી સફેદી ખીલી ઊઠી,
રાહમાં ઊભે છે બાલમ હજુ સુધી.

પાનખર વર્તે છે એની ફરજ મુજબ,
બાગને લાગે છે નિર્મમ હજુ સુધી.

કેટલાં સંશોધનો માણસે કર્યા,
ના મળ્યો કંઈ પ્રેમ-એકમ હજુ સુધી !!
 
શ્વાસ મેં ઇન્વેસ્ટ ખાસ્સા વરસ કર્યા,
ના કરી પૂણ્યોની ઇન્કમ હજુ સુધી!!

હર દિવાળી લક્ષ્મીજીના હવન કર્યા,
પણ ના ઊગી લાભપાંચમ હજુ સુધી.

સત્યની તાકાતનું એ પ્રમાણ છે,
ગાંધીનો લહેરાય પરચમ હજુ સુધી.

ઈવ પામ્યો એક સફરજન વડે ભલે,
લાગણી સમજ્યો ન આદમ હજુ સુધી.

એ રખે ને, મારી સાથે રડી પડે,
આંખને આપ્યો ન હુકમ હજુ સુધી.

ચમકીને ચમકે હવે કેટલો, ભલા?
આગિયાની રાત માઝમ હજુ સુધી,

રોજ રાધા મોરલી કૃષ્ણની સુણે,
છે હવામાં મુગ્ધ સરગમ હજુ સુધી.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment