પાછા ફરવાનો માર્ગ યાદ હોવો જોઈએ,
સાંજ પડે ત્યારે એક સાદ હોવો જોઈએ.
તૈયાર છું આ વૈશાખના તાપ સહેવા માટે,
પાછળ અષાઢનો વરસાદ હોવો જોઈએ.
મંદિરના ટોળાંમાં રહીને એ નહિ મળે,
એ માટે બસ હું માંથી 'હું' બાદ હોવો જોઈએ.
એ તો તૈયાર જ છે મદદ કરવા માટે,
બસ અર્જુન સમો વિષાદ હોવો જોઈએ.
પછી તો ભૂખ્યા કાનાનું ય પેટ ભરાય,
દાણો ભલે એક, ભાવ અમર્યાદ હોવો જોઈએ.
અમથા અઢાર અધ્યાય નથી ગીતાના,
બે વચ્ચે મૌન નહિ સંવાદ હોવો જોઈએ.
ડો. હિતેશ પટેલ 'હિત'
તરહી રચના
No comments:
Post a Comment