*તરહી ગઝલ*
હા, જીવીશું આખરી અટકળ ઉપર —
એટલું તું દે લખી કાગળ ઉપર.
ડૂબકી મારી તરત આવી જજે,
ના ભરોસો રાખતો તું જળ ઉપર.
પાઠ-પૂજા-માનતાનો છે વખત,
સાથિયો દોરો તમે શ્રીફળ ઉપર.
તૂટશે અંધારનો દમ જે પળે,
મીટ માંડી છું ઊભો એ પળ ઉપર.
ભેજ કોના પ્રેમનો છે — શી ખબર ?
નામ ક્યારે હોય છે વાદળ ઉપર ?*
ટેરવાનો સ્પર્શ થ્યો શું એકવાર !
સ્નેહ જાગ્યો ત્યારથી ઝાકળ ઉપર.
જઈને બેઠો છેક ઊંચે — ટોચ પર,
કાં મમત તુજને છતાં છે તળ ઉપર ?
જા, સૂરજનું શહેર એને તું બતાવ,
છે 'પ્રદીપ'ને ગર્વ એના બળ ઉપર.
*— પ્રદીપ સમૌચા*
*ગિરહ મિસરો : કવિશ્રી મનહરલાલ ચોક્સી
No comments:
Post a Comment