Saturday, 4 November 2017

અછાંદસ

*અછાંદસ : બાઘાની જેમ*

ગામને ચોરે લગાવેલું, નવું નક્કોર
ગામનું નામ લખેલું પાટીયું,
ચંપાકાકીનું છાપરું,
હમણાં જ ઉગેલા રંગબેરંગી સિમેન્ટના ઘરો,
જેઠાભૈની કરીયાણાની દુકાન,
સરપંચની નવી ઓફીસ,
કરશનકાકાના ખેતરમાં વાવેલી બાજરી,
રોમજીડોહાનું કપાસ ભરેલું ખેતર,
નાથાભાની વીસ-વીસ ફેટ દૂધ આપતી બત્રીસ ભેંસો,
ગામમાં અડીખમ ઊભો'તો એ વડલો,
દશામાંની મૂર્તિ,
લીંપેલું પાણીયારું,
ને
અમારા ઘરમાં આવનાર નવા સભ્ય માટે
લાવેલું નવું ઘોડિયું.
આ બધુંએ...
પાણીમાં ડુબ્યું... તણાયું...
ને.. જે મંદિરમાં પેસવા પણ ન'તા દે'તા
એ જ મંદિરના ગુંબજ પરથી " હું ",
આ બધું જોઈ રહ્યો છું,
બાઘાની જેમ...

*— વિપુલ અમરાવ*

No comments:

Post a Comment