સાહ્યબા !
રેશમિયા વ્હાલને વરસાવ તું સાહ્યબા !
ગાલ પર નામ મારું ત્રોફાવ તું સાહ્યબા !
રૂમઝૂમતી , લજવાતી લાગણીઓ ફૂટી,
જોબનના જોશને લહેરાવ તું સાહ્યબા !
ઝાકળના ટીપાંમાં વનરાવન મ્હોર્યું,
શ્યામને સાદ પાડી,બોલાવ તું સાહ્યબા !
મધુવનમાં પાંગરી છે ,તારી-મારી પ્રીત,
નિજની નિકુંજમાં,એને રેલાવ તું સાહ્યબા !
ટહુકો થઈ ,ઊગી જા પ્રેમના પ્રદેશમાં ,
મેઘને આલી કોર મોકલાવ તું સાહ્યબા !
નભમાં વિહરતા ઓલા ચાંદાને ચૂમીને,
સ્વાદ તારા હોઠનો ,ચખાડ તું સાહ્યબા !
અંતરમાં અજવાળાં ,ઊમટ્યાં છે સામટાં ,
'કાન્ત 'ને અમીપાન કરાવ તું સાહ્યબા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment