Saturday, 4 November 2017

અછાંદસ

ચાંલ્લો

એક બામણના ઘેર
તેડું આવ્યું ઇલેક્શન કમિશનરનું ...

" આવી જજો અમુક તારીખે તમુક જગાએ
આઠથી પાંચમાં ચાંલ્લો કરવા ...
હોવા ના હોવાનો દાખલો લઈને ...
વહેલા આવજો, પહેલા આવશો તો ફોટોય પાડશું!"

બામણ તો થઈ ગયો તૈયાર સફારીમાં ...
કપાળે ચંદનનું ટીલું ને ગળામાં કધોણી જનોઈ
ને વળી ખભે સાચવી રાખેલ ફાટેલ ખેસ
નાખીને ...

એક હાથમાં આમંત્રણ પત્રિકા ને
બીજામાં હોવાનો આધાર રાખીને
(ના હોવાનો તો નહોતો!)
પહોંચ્યો બામણ એમેન કોલેજ (વિસનગર) ...
બંધ રાખી હતી એ દિવસે!

બંદુકાળા સંત્રીઓને મારી સલામ
પ્હોંચી ગયો સડસડાટ બુથમાં ...
હોવાના એકથી વધુ તો આધાર હતા, નહોતા?

આંગળી કાળી કરી
ચાંલ્લા પત્રક લઈ સહી કરી
જોયું તો :
પટેલ, કોળી, ઘાંચી, મોચી, વાણિયા, શાહ, પરીખ, પારેખ બધા હતા
ને બામણ જ નહીં!
ખરો સલવાયો બામણ!

હવે કોને કરે
ચાંલ્લો?

- હરિ શુક્લ
૦૩-૧૧-૨૦૧૭

No comments:

Post a Comment