Saturday, 4 November 2017

ગીત

થનગનતા વાયરાએ છેડી જરા,
ને પછી કૂંપળને ફૂટ્યુ'તુ ગીત !!
આ તો છાની પણ સાચકલી પ્રિત!

લીલીછમ કૂંપળના કુણાકુણા દેહમા હળવી ધ્રુજારી કૈ આવી ;
માણસ કૈં થોડા ? એને પાંદડાના પરિવારે હરખેથી લીધી વધાવી !
વાયરાનું છેડવું ને કૂંપળનું ગાવું એ તો ભવે-ભવે નવતર છે રીત ..
આ તો છાની પણ સાચકલી પ્રીત !

ચોખ્ખાચટ આભ તળે કૂણોકૂણો તાપ પ્હેરી કૂંપળ દે' હરખાતા કંઈ!
મનડાની માહ્ય સાવ ખાલીખમ ઓરડો વરણાગી વ્હાલમને દઈ,
વ્હાલમના વ્હાલમાં છત રે રંગાણી, ને રંગાણા ભીંત ને પછીત!!
આ તો છાની પણ સાચકલી પ્રીત ..

નેહા પુરોહિત
(24.1.15)

No comments:

Post a Comment