મૌસમી ફરમાન છે વાદળ ઉપર
જળ ઉકેલે આભના કાગળ ઉપર
વાંચવા આતુર થઇ ગઇ છે ધરા
વાદળોની દસ્તખતને થળ ઉપર
ટેન્કરો લાવ્યાં નદી,શેરી સુધી
જામતું પનઘટ હવે ત્યાં,નળ ઉપર
ક્યાં તમારે પણ થવું આઝાદ છે?
આંગળી ચીંધો ભલે સાંકળ ઉપર
જે થયું,તે ના થયું-થાશે નહીં
જે થવાનું છે,થશે,આગળ ઉપર
બે જણાં છૂટા પડ્યા મનભેદમાં
દોષ ઠાલો દઇ દીધો અંજળ ઉપર
બાંધશે નજરો કે નજરાઈ જશે
છે બધો આધાર એ,કાજળ ઉપર
એમ જાણે અંતરે અંકાય તું
સાથિયાનાં હો શુકન શ્રીફળ ઉપર
MEDHA ANTANI
No comments:
Post a Comment