Saturday, 4 November 2017

ગઝલ

સાચવી રાખ્યાં.
************


ગયેલા શખ્સના બે-ચાર પગલાં સાચવી રાખ્યાં,
પછી લાગ્યું કે સાલ્લુ સાવ અમથા સાચવી રાખ્યાં.

પ્રથમ જળની સપાટી પર જરા ચાલ્યાં અને ડૂબ્યાં,
મનાવી મન, પછી રેતાળ રસ્તા સાચવી રાખ્યાં.

ખુલાસામાં ઘણું લાંબુલચક બોલી ગયા'તા એ,
અમે તો 'પણ' પછીના ત્રણ ટપકાં સાચવી રાખ્યાં.

બધું યે યાદ રાખી એમણે પુસ્તક લખી નાંખ્યું,
અમે ભૂલ્યા બધું પણ બે'ક કિસ્સા સાચવી રાખ્યાં.

બચાવી ના શકાયો એક વસમી સાંજનો ટૂકડો,
હૃદયમાં એ પછી તો કંઇક વલખાં સાચવી રાખ્યાં.

ખુમારી એટલી કે જીભથી ન માંગવાનું કંઈ,
પરંતુ આંખમાં વાચાળ સપનાં સાચવી રાખ્યાં.

તમારે એ ગલીમાં પગ નહિ મૂકવાનું પ્રણ 'પારુલ',
છતાં યે એ નગરનાં કેમ નકશા સાચવી રાખ્યાં?

--- *પારુલ ખખ્ખર*

No comments:

Post a Comment