Sunday, 4 March 2018

ગઝલ

એક  પળની  સમીપ આવ્યો  છું,
તારા સ્થળની સમીપ આવ્યો છું.

લઈ  રહ્યાં છે  વિચાર ઘૂમરીઓ,
ક્યા વમળની સમીપ આવ્યો છું?

શૂષ્ક સપના  સજીને  આંખોમાં,
કેમ જળની  સમીપ આવ્યો  છું.

પાંખડીઓ   ખૂલે   છે  મારામાં,
હું  કમળની  સમીપ આવ્યો છું.

મોતીઓનો   સમુદ્ર  તું   છે  ને ?
એથી  તળની  સમીપ આવ્યો છું.

છાનું -છપનુ   તને  નથી મળવું,
લે,સકળની  સમીપ  આવ્યો છું.

સાવ નિ:શસ્ત્ર છું, આ હાલતમાં,
કટક-દળની   સમીપ  આવ્યો છું.

કેટલાયે      કઠીન       રસ્તેથી,
હું  સરળની  સમીપ આવ્યો છું.

આખરે  હું   મને   ભૂલી   બેઠો
એવા છળની સમીપ આવ્યો છું

     *ભરત ભટ્ટ*

No comments:

Post a Comment