Thursday, 15 March 2018

અછાંદસ

આ દમિયલ શહેરને,
કેવો લુણો લાગ્યો છે
ન સવાર પડે છે,
કે ના સાંજ આથમે છે
અહિ
હિસાબ-કિતાબની બપોર હોય છે...
ત્રાજવા લઈ તોલાય છે,
આ વેરાન બાગને,
કેવા ઉજરડા લાગ્યા છે,
ન વસંત આવે છે
કે ના પાનખર આવે છે,
અહી
ભિનાશની જગાએ ચિસો હોય છે...
આ ધૂમાડીયા આકાશને,
કેવા ચોસલા પાડેલા છે,
ના તારોડીયા ઉગે છે
કે ના ચાંદની રેલાય છે,
અહી
વરસાદના ટાણે બારણા બંધ હોય છે...
આ ગગનચુંબી ઈમારતની,
સંવેદના મુક-બધીર હોય છે
ના લાગણી બંધાય છે,
કે ના હૂફાળા જીવતર હોય છે,
અહી
શોરબકોરના મરશીયા ગવાતા હોય છે...
આ અજગર જેવી સડકોને,
ના મંઝીલ હોય છે,
કે ના રેનબસેરો છે
અહી
નીત ગમતા સરનામા બદલાતા હોય છે...
...પુનીત સરખેડી

No comments:

Post a Comment