#ગઝલ #જિગરજોષી #પ્રેમ
ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો*
ક્યાં માલ મિલકતો કંઇ ; શું કરવો ચોકીપહેરો?
ગેબી ઇશારે મોસમ બોલે છે ઠહેરો ઠહેરો
એક જાણતલ કહે છે - પાછો થવાનો ફેરો
ઉંગલી જ પોતે અંતે થઇ ગઇ કલમ જુઓને
શબદે ચડાવ્યો આહા ! આ રંગ એક ઘેરો
ગુસ્સામાં એવું તો શું કહી દીધું ખારવણ તેં ?
દરિયાનું મ્હોં ચડ્યું છે ; ચુપચાપ સઘળી લહેરો
કંઇ ગુપ્ત પણ ન રાખ્યું ; કંઇ વ્યક્ત પણ કર્યુ નહિ
ના બાદ કીધું કંઇપણ ; ના કંઇ કર્યો ઉમેરો
ઉઘડી રહ્યા છે કેવા આ શ્વાસના પ્રસંગો !
ગમતો મજાનો કોઇ ઉગી રહ્યો છે ચહેરો.
* સ્મરણ વૈભવ શ્રી હરીશ મીનાશ્રુ
No comments:
Post a Comment