Sunday, 14 October 2018

ગઝલ

*🌹ગઝલ🌹*

*(ગાલગાગા ગાલગાગા ગાલગા )*

*પ્રેમનો પ્યાલો બરાબર જોઈએ,*
*જીવનો ટેકો કદાવર જોઈએ.*

*વેર જેવાં ઝેરથી આઘો રહું,*
*ચેનની દરરોજ નીંદર જોઈએ.*

*હું હમેશા દિલ તપાસું; ખિસ્સાં નહિ,*
*દોસ્તો મારે કલંદર જોઈએ.*

*રૂપિયા પૈસા તો સમજાણા હવે,*
*હામની મૂડી જીવનભર જોઈએ.*

*થીજવા લાગ્યું છે મારું દિલ હવે,*
*એમનું ચુંબન સમયસર જોઈએ.*

*કોઈ પણ મુશ્કેલી પીડી નહિ શકે,*
*પણ સપન સુંદરમાં સુંદર જોઈએ.*

*એટલે દોડી શકું થાક્યા વગર,*
*મારે થોડો પ્હેલો નંબર જોઈએ!*

*ક્યાં તમારા બાગનું કૈં કામ છે!*
*ખૂશ્બૂ માટે પોરબંદર જોઈએ.*

*માત્ર લખવા માટે 'ઉત્સવ' ના લખે,*
*હર ગઝલનું ફાંકડું સ્તર જોઈએ.*

*~યોગેશ સામાણી 'ઉત્સવ', પોરબંદર.*

No comments:

Post a Comment