Thursday, 21 March 2019

ગઝલ

બર્ફના દર્પણ છે આ ચહેરા બધા,
બટકેલી કો' ક્ષણ છે આ ચહેરા બધા.

થોડું મૃગજળ પાઈને  ઉછેર્યુ એ,
પથ્થરોનું રણ  છે આ ચહેરા બધા.

મે પ્રતિક્ષામાં જે ઘટ ઘટ પીધી એ,
પ્યાસનું કારણ છે આ ચહેરા બધા.

ફૂટવાનું  છે એના ભાગ્યે સદા,
કાચનાં તોરણ છે આ ચહેરા બધા.

થીજેલા છે એટલે અકબંધ છે,
આમ તો રજકણ છે આ ચહેરા બધા.

કૈક યુગોથી કરૂણતા સાચવે એ,
બુધ્ધની પાંપણ છે આ ચહેરા બધા.

વાંચ તો સમજી  શકાશે કોક દી',
આખી રામાયણ છે આ ચહેરા બધા.

શૈલેષ પંડ્યા
નિશેષ..

No comments:

Post a Comment