પ્રત્યેક શ્વાસ - શ્વાસે શ્વાસો ગણી રહ્યો છું,
કોરી કિતાબના હું પૃષ્ઠો ગણી રહ્યો છું.
થોડી છે રાત તો પણ, ઝાઝા છે વેશ તો પણ,
ઉકલી નથી શક્યા એ પ્રશ્નો ગણી રહ્યો છું.
ફળમાં છે રસ તને તો તું ભોગવી શકે છે,
હું તો આ માર્ગ પરનાં વૃક્ષો ગણી રહ્યો છું.
કંઈ કેટલાં વરસથી પૂરી ન થઈ ગણતરી,
કંઈ કેટલાં વરસથી જખ્મો ગણી રહ્યો છું.
ગણવા સમું બીજું કંઈ પાસે નથી વધ્યું તો,
અક્ષર ગણી રહ્યો છું, શબ્દો ગણી રહ્યો છું.
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment