Thursday, 11 October 2018

ગઝલ

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...

આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..

અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...

પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...

- *બેફામ*

ગઝલ

જાતમાં  તારી  તું  શ્રદ્ધા રાખજે,
કોઈપણ દી ના તું બાધા રાખજે.

જિંદગી તો સુખ ને દુઃખનું નામ છે,
કાંઇપણ થઇ જાય આશા રાખજે.

જગમાં પ્રસરી જાય અંધારું ભલે,
તારી ભીતરમાં તું આભા  રાખજે.

પીઠ પાછળ બોલતા રહેશે ઘણાં,
ચિંતા છોડી ખુદમાં શાતા રાખજે.

સાદી રીતે જીવજે આ જિંદગી,
તું કદી ના ખુદમાં આપા રાખજે.

કર્મ દિલથી કરતો રહેજે તું અહીં,
કોઇ દી ફળની ના આશા રાખજે.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

Wednesday, 10 October 2018

ગઝલ

ગુરુજી શ્રી સતીશ વ્યાસને જન્મદિવસની ગઝલપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ સરજી😊🎂💐

મરકતું સ્મિત છે હોઠે,ભર્યુ આકાશ આંખોમાં
સહજતા,સાદગી કાયમ,નર્યુ ઉંડાણ આંખોમાં

સભામાં આપ જો બેસો પડે મોભો સભાનો પણ,
તમારું મૌન પણ શબ્દો, ઘણું ખેંચાણ આંખોમાં

તમારું નામ ગુંજે છે સભાઓમાં, દિશાઓમાં
અદાકારી નિરાળી લાગતી બિંદાસ આંખોમાં

નિખાલસ છો,વળીસ્નેહાળ,પાછા સ્પષ્ટવક્તા છો,
સદા ગુણગાન જાણીને તર્યા છે વ્હાણ આંખોમાં

ગુરુવર આપ છો સૌના અને સર્જક વિવેચક પણ,
ખુદા કે સંત જે માનો, ઘણાં આભાસ આંખોમાં
...............વર્ષા પ્રજાપતિ ઝરમર

Monday, 8 October 2018

ર ગઝલ

🌳🌳તારી આંખમાં🌳🌳

ડૉ.સત્યમબારોટ

પ્રેમ જો છલકાય તારી આંખમાં,
મર્મથી મલકાય તારી આંખમાં.

શ્વાસ ધબકે છે મજાના પ્રેમમાં,
પ્રેમ પણ શરમાય તારી આંખમાં.

સ્વર્ગની પરવા નથી કરતો કદી,
સ્વર્ગ પણ પરખાય તારી આંખમાં.

મેં સજાવી છે મજાની ઝૂંપડી,
મ્હેલ જીવતો થાય તારી આંખમાં.

જેટલો આ શ્વાસને હું સાચવું,
એટલો અથડાય તારી આંખમાં.

ભૂલવા માંગું તને હું જેટલું,
યાદ આવી જાય તારી આંખમાં.

મેં ખુદાને ક્યાંય પણ દેખ્યો નથી,
તે છતાં વરતાય તારી આંખમાં.

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳પ્રેમની જગા રાખજે🌳
ડૉ.સત્યમબારોટ

સ્વાદ થોડો પ્રેમનો તું ચાખજે,
પ્રેમ બીજાને જરા તું આપજે.

જિંદગી ના કામને ભૂલી જરા,
પ્રેમ માટેની જગા પણ રાખજે.

જીત માટે ભાગતો ના તું ભલા,
કોઇને જીતાડવા તું હારજે.

સાવ બંજર મા ધરા હોતી નથી,
પ્રેમના દાણા બધે તું વાવજે.

રોજ સુખ માટે ન કરતો જાગરણ,
દર્દ માટે પણ જરા તું જાગજે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Saturday, 6 October 2018

ગીત

🌳ગીત🌳
ડૉ.સત્યમબારોટ

તારું મારું છોડીને તું આંખ તારી ખોલ,
મૂંગે મૂંગો રેંજે કાંતો સાચે સાચું બોલ.🍃

આડી અવળી વાતોમાં તું શાને કાઢે દન,
શાને કાજે વાતે-વાતે આળું રાખે મન,
મૂંઝારાની આખેઆખી ખોલી દેજે પોલ.🌴

સૌને સૌનું ધામ મળશે જેવી જેની ચાલ,
સાચો રસ્તો પકડી રાખી તારી વાટે ચાલ,
પડશે એવી દેવાશે ની નીતિનો નૈ મોલ.🌲

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Sunday, 30 September 2018

ગાંધીજી વિશે બે કાવ્યો

: 🌳🌳શાંતિ દૂત  ( ગીત)🌳🌳

ડૉ.સત્યમબારોટ

ગાંધી મારો છે શાંતિ નો દૂત,
લાકડી હું તો છું સત્યની.
ચાલશું મારગ પર એના રે રોજ,
વાતો કરશું રે પ્રેમની.

માનવનું રાજ તારી શાંતિની નગરી
જાતિ ધરમની રે નથી કોઈ પાબંદી,.

દેવને શરમાવે છે તારા કોલ,
સાદગી અવ્વલ ફકીરની.

ગાંધી સોહે છે શાંતિ નો રંગ,
પોતડી પહેરે છે પ્રેમની.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳🌳ફકીર  (ગીત)🌳🌳

ડૉ.સત્યમબારોટ

મારો ગાંધી બાપુ લાવે,
મારો બાપુ લાવે શાંતિ.

દલડાં જોઈએ તો બાપુ દલડાં રે આપુ,
ઘર પાદરને મારા સાફ કરી રાખું.
તારો સેવકડો થઈ ને આવું મોરા ગાંધી.

રામ જોયા ને મેં તો રહીમ રે જોયા,
મંદિર મસ્જિદોમાં શૈતાનો જોયા.
જોયો ન તારા જેવો એક્કે ફકીર ગાંધી.

વજ્જર જેવી છે તારી ખાદીની પોતડી,
બ્રહ્મ બની છે તારી સતની રે લાકડી,
વેદ ઋચા છે તારી પ્રેમની રે શાંતિ.

તું તો છે ગાંધી બાપુ રાજાનો રાજા,
રાજા મહારાજા તારા તોલે ન આવતા,
એક એક શ્વાસે તારી પ્રેમની છે વાણી.

દુનિયા ને શાંતિની તે લગની લગાડી,
હિંસાની તોફાની તે સત્તા ભગાડી,
માનવને કાજે લાવ્યો સાચી તું આઝાદી .

મારો ગાંધી બાપુ લાવે,
મારો બાપુ લાવે શાંતિ.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ગીત

🌳🌳રંગીલો દેશ🌳🌳
ડૉ.સત્યમબારોટ

આવો આવો જુવાન લઈ ને વેશને,
બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને.

રાખો સચ્ચાઈ ને સાથે,
સાચા પ્રેમને સંગાથે,
ચાલો જીવતા કરીએ રે માનવદેવ ને,
બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશને.

આજે સત્તાની મનમાની,
આખા દેશની બરબાદી,
બધા નાતિ જાતિના ટંટા મેલીને,
બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશને.

લે જો કામને વધાવી,
દે જો આળસને ભગાડી,
ચાલો ભેગા મળીને કામ કરીએ,
બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશને.

ધરતીમાતા સૌને વ્હાલી,
આપે જીવનની પરસાદી,
હવે, જીવો જીવવા દો આ જગતને,
બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશને.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Friday, 28 September 2018

ગઝલ

સમય આવે સબંધોને કસોટીમાં ઉતારી જો
પ્રથમ ખુદને પિછાણી જો, જરા પડદો હટાવી જો

ઘણી લાંબી મજલ છે જિંદગી, હે દોસ્ત જાળવજે
અહીં સ્વાગત કરે પીડા, પ્રણયપૂર્વક વધાવી જો

બધાને એમ લાગે છે પ્રણયમાં હોય પડવાનું
કૃષ્ણને સાદ આપી જો, જરા રાધે પુકારી જો,

કલા કેવળ કલા છે એ ભલે બદનામ થઇ જાતી
નજરના ખેલ છે રાહી, નજાકતથી મઠારી જો

હૃદયની રાજધાનીમાં હુકૂમત ચાલતી જેની
ખુદાઈ બાદશાહતને નસેનસમા સમાવી જો

ચલો સાબિત કરી દો આતમા મરતો નથી ક્યારેય
મરે છે રોજ માણસમાં, હશે એ શું? વિચારી જો

ખરેખર ધર્મ માણસજાત માટે એક- 'માનવતા'
કહો ઈશ્વર કહો અલ્લાહ, બધા છે એક, ધારી જો
......વર્ષા પ્રજાપતિ ઝરમર

ગઝલ

ભલે બદનામ થઈ જઈએ સકળ સંસારમાં,
ઉઠી છે એમની નજરો અમારા માનમાં

અમારા નામનો દીવો જલાવી રાખજો,
પધારીશું બની શુભ લાભ,  ઘર ઘર દ્વારમાં

તમે બોલી શકો છો મોતને, જા પાછુ જા?
અમારા શ્વાસની ચિટ્ઠી ફરે છે ગામમાં

ઘણું વસમું પડ્યું'તું ગામ છોડી જીવવું,
ગલી, ઘર, સીમ,પાદર છે હૃદય દરબારમાં

જરા ભીના સ્વરે હોંકાર ભરજો પ્રેમનો,
અમે આસન લગાવ્યું છે તમારા ધ્યાનમાં

હવાની આવ જા ના હોય એવા આંગણે,
ગઝલ વરસી પડી 'ઝરમર' નવા આકારમાં
........વર્ષા પ્રજાપતિ ઝરમર

Thursday, 23 August 2018

કાવ્ય

મંથન
કવિતા
મન મંથન કરી ઊતરી માયા મહીં.
છાની જ છાની કોતરી કાયા અહીં.
આભાસ ના વાદળ મહીં છુપી જતાં,
સો હલચલ મચી ચીતરી છાયા અહીં.
ઝૂર્યા કરી ઝાંખી પડી રોતી રહી,
લોભી જ થોભી વેતરી પાયા અહીં.
મન મંથન કરીઊતરી માયા મહીં,
છાની જ છાની કોતરી કાયા અહીં.
સપને ચડી છૂટી જતાં ડાહ્યા ઘણાં,
ઊભા જ નામી સંતરી જાયા અહીં.
ડોલી ચડે ક્યાં કોકિલા પોકળ મને?
મૌની જ થાતી અવતરી વાયા અહીં ..
મન મંથન કરી ઊતરી માયા મહીં,
છાની જ છાની કોતરી કાયા અહીં..
કોકિલા રાજગોર.
ભિવંડી થાના..