Saturday, 17 September 2016

ગીત

એ કાજળ ઘેરી આંખોમાં કૈં જાદુમંતર લાગે છે,
જ્યાં દ્દષ્ટિ પડે છે તેઓની ત્યાં આગ બરાબર લાગે છે.

શું હું પણ સુંદર લાગું છું, શું મન પણ સુંદર લાગે છે !
આ કોણ પધાર્યું છે આજે, કે સ્વર્ગ સમું ઘર લાગે છે ?

નૌકા જો હતી તોફાન હતાં, નૌકા જો ડૂબી ગઈ તો હવે :
મોજાંય બરાબર લાગે છે દરિયો બરાબર લાગે છે.

હું વાત કહું શી અંતરની જ્યાં મૂલ્ય નથી કૈં વચનોનું,
દુનિયાની નજરમાં સચ્ચાઈ પણ જૂઠ સરાસર લાગે છે.

એ જો કે પધાર્યા છે કિંતુ કૈં એવી રીતે બેઠા છે,
દેખાવ કરે છે દૂર થવા પણ પાસ બરાબર લાગે છે.

સૌંદર્ય તણી આ વાતો છે સૌંદર્ય તણી આ વાતો છે,
હા હા તો શું એના મુખમાં ના ના પણ સુંદર લાગે છે !

બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રુસ્વા,
પણ આજ ખરું જો પૂછો તો દુનિયાનો મને ડર લાગે છે.

‘રુસ્વા’ મઝલૂમી

No comments:

Post a Comment