Sunday, 11 September 2016

ગીત

ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને મોરપીચ્છે ખોંખારા ખાધા,
મોઢું મચકોડીને વાંસલડી બોલી કે નક્કી આ નવરીધૂપ રાધા.

ગુલ્લાબી કાગળમાં ઝાંકીને જોયું તો બીડ્યો’તો મૂંગો સન્નાટો
પટરાણી બોલ્યા કે ગર્વીલી રાધાને લઇ ગઇ છે હુશિયારી આંટો
અઘરી આ ભાષાના જાણતલ શોધો કે આપણે તો ભાષાના વાંધા
મોઢું મચકોડીને વાંસલડી બોલી કે અઘરી આ નવરીધૂપ રાધા.

માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું યે છું મૂરખનો જામ,
કાનાને સોંપી દઉં એની અમાનત, શું રખડાવું ઠેરઠેર આમ !
મૂછોમાં મલક્યા કે કોરાકટ કાગળનો શું રે જવાબ દઇશ માધા?
મોઢું મચકોડીને વાંસલડી બોલી જા..લેતી જા નવરીધૂપ રાધા.

હૈયે અડાડીને , રોકીને શ્વાસ પછી કાનાએ કાગળને ખોલ્યો,
આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ અને એ બાજુ કાગળ ન બોલ્યો
આંખો લૂછીને હરિ હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા
મોઢું મચકોડીને વાંસલડી બોલી કે નકટી આ નવરીધૂપ રાધા.

             પારુલ ખખ્ખર

No comments:

Post a Comment