'નીકળવું છે' (ગઝલ )
ના સંબોધન પ્યારામાંથી નીકળવું છે !
ના ગમતા સથવારામાંથી નીકળવું છે!
અનુભવતો ખુદને તારો એથી હું અંગત,
ના તારા તુંકારામાંથી નીકળવું છે!
ના દેખાતો રસ્તો જીવનમાં તો ક્યારેક,
મારે એ મુંઝારામાંથી નીકળવું છે!
હું કંટાળ્યો છું મારા ખુદના હોવાથી,
આ ભારેખમ્મ મારામાંથી નીકળવું છે !
પ્યાસ હવે મીઠા જળની લાગી જળચરને,
સૌને દરિયા ખારામાંથી નીકળવું છે!
વીતેલી સૌ પળમાં જીવું છું હું દોસ્તો,
ન પ્રસંગો એ સારામાંથી નીકળવું છે!
અંત સમયના ભણકારા ઊભા દરવાજે,
કાયમના અણસારામાંથી નીકળવું છે !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment