. [ માં ]
છંદ - ભુજંગી
મું કાજ માતા મજુરી જ કરતી,
ઘણી રાત જાગી તું દરણાં જ દરતી,
વકરતી ન'તી બોલતી માત પ્યારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૧)
ખવારે મને ભુખી રહેતી એ પોતે,
ભમે શેરીયે શેરીયે મુંને ગોતે,
ખટક રાખતી ધ્યાન તું એકધારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૨)
ઘણી રાત કાળી હતો હું બિયાતો,
સૂતો નિંદરૂં માંય ઝબકી જ જાતો,
જનેતા તેં રાખ્યું સદા ધ્યાન મારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૩)
પડે તાપ ઉનાળે બળતા બપોરે,
જતો બારે હું તો તું લારે જ ધોરે,
સહ્યું તેં ઘણું માત તોફાન મારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૪)
મને હાલાં ગાઈ હેતે હિંચકાવ્યો,
કરી તેં મજુરી ને મુજને ભણાવ્યો,
કર્યા ઉપકારો હું કેતા સંભારૂં ?
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૫)
વઢતી ન'તી વેણ ખોટું ન કહેતી,
કરૂં હું ઉધામા સહી સરવે લેતી,
દિલાસો તું દેતી જો હિમ્મત હારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૬)
કરો ધૂપ દીવા અરજ તો પધારે,
રગો દર્શનાં કાજ દેવાંને દ્વારે,
વગર સ્વાર્થીલું તું દેવ જ અમારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૭ )
માતા ની ગોદે રમે રમતું રામો,
જસોદાની ગોદે ખેલંતોય શ્યામો,
ભોળાનાથ નું જો વદન ઓશિયારૂં,
કહો કેમ માતા હું તુંને વિસારૂં ? (૮)
- ચમન ગજ્જર
No comments:
Post a Comment