. [ જગ વિધાતા જોગણી ]
( છંદ - સારસી )
મૈખા મતેલો ગર્વ ગેલો અહર ઘેલો આવતો,
નવ માન નીતી રાક્ષ રીતી દેવ ભીતી દાવતો,
સુણી દેવ અરજી સ્વયં સરજી ગેબ ગરજી તણ ઘડી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૧)
આશો મહીને નેહ ભીને નવલ દિને નોરતાં,
તવ દરશ પાવે ગીત ગાવે હિયાં હરખ હિલોરતાં,
નવ લાખ લઈને સાથ ચાચર ચોક રાસે રમ્મણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૨)
શણગાર સજીયા શગત બો'ળા પાય તોળા શેષના,
વાણી ન પોગે વૈખરી કરૂં વરણનો શું વેશનાં ?
નવ રાત રમવા નીસરી લઈ સાથ મા શગતિ ઘણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૩)
કુરુ ખેતરે તું કાન રૂપે સાથ અરજણને હતી,
અદરિશ્ય રૂપે આપ આવી હાંક દળ હણતી હતી,
બણતી હતી તું બેશ બિકટ કાજ પાંડવ કારણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૪)
મતિ અંધ થઈને માનવી કો' કહણ કફરા કા'વીયા,
નાગઈ બની ગઈ નાગ કાળો ભાંગ દળ ભુકા કીયા,
પળ એકમાં પોગી તળાંજે કાગડી તું કણકણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૫)
જાહલ થયેલી કેદ નવઘણ વીરને અરજી કરી,
એ બેન વા'રે વીરની નવ લાખ ફોજું નીસરી,
કટક જિમ્યું કુલડીએ ધરવીયો જુના ધણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૬)
અસુરાણ ચઢ દળ કંઈક હુકળ વ્યોમ દળ વાદળ ચડે,
તલવાર તોમર હાક કર કર દર સમર રાખહ લડે,
રૂધિર રેલા રેલ્ય પહાડાં વિન્ધ્ય ગ્યો સ્રવ ધણધણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૭)
મહ સાગરાં મજધાર માં હડ હડડડ મોજાં ઉછળે,
તોફાન તૂટ્યા તણા જગડુ નાવડી હેલે ચડે,
વાણિક જઈ ઉગારીયો તેં બાઈ વા'રૂ તું બણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૮)
શોભા અનેરી સાથ રૂખી વ્યોમ માં વ્રળક્યા કરે,
નવ લાખ તારા સુર ચંદર આભ અંજવાળાં કરે,
ટેકા વગરના આભનો મા થાંભલો થઈ તું ધણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૯)
પલ એક વા'રે પોગતી ધા સુણતાં ધ્રોડી ધણી,
અમ વા'ર કરવા આજ અંબા બાઈ કાં બેરી બણી ?
પોકારતાં પરમેશ્વરી છોરૂ વિનંતી લે સુણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૧૦)
મહિમા અમારી માતનો જાહેર છે સ્રવ જા'ન માં,
હાજર હજી હિંગળાજ જો પૂજાય પાકિસતાન માં,
છે બાળ તારો 'ચમન' તું રખવાળ મા ધીંગો ધણી,
ચામુંડ માતા દિન દાતા જગ વિધાતા જોગણી. (૧૧)
- ચમન ગજ્જર
No comments:
Post a Comment