Saturday, 17 September 2016

ગઝલ

સાંજના ઉતર્યા છે ઓળા,ચાલ પાછો ઘર તરફ!
દ્વાર બોલાવે છે ખુલ્લા,ચાલ પાછો ઘર તરફ!

ભીડ તો ભરખી શકી નહિ આ શહેરોની તને,
મારશે આ માર્ગ પ્હોળા,ચાલ પાછો ઘર તરફ!

થાંભલીની આડશે આંખો ઉભી ભીની બની,
બોલતા કાજળના રેલા,ચાલ પાછો ઘર તરફ!

એક બાળક ધૂળ ખાતું જોઈ હું ભૂલો પડ્યો,
ધૂળને ફૂટી છે વાચા,ચાલ પાછો ઘર તરફ!

આ ભરમનો ભાર વેઠી ક્યાં જશો? કોની તરફ?
દંભના છોડી ઉચાળા,ચાલ પાછો ઘર તરફ!

-શિવમ રાજપુત

No comments:

Post a Comment