આપમેળે પણ થાય મહાન એ તો ઈશ્વર છે,
ક્યારેક તો થસે એને ભાન એ તો ઈશ્વર છે.
તકની રાહ જોઈને પારકી મા જેવો બનશે ,
પછી વીંધશે આપણા કાન એ તો ઈશ્વર છે.
ક્રોસ ઉપર એ હોય ને બનેલો સારથિ પણ એ,
પહેરશે જૂદા જૂદા નકાબ એ તો ઈશ્વર છે.
ભગવા બધા બન્યા આજ ભોગના સાધક,
છતા ચાલવા દે એની દુકાન એ તો ઈશ્વર છે.
શાસ્ત્રો થી શસ્ત્રો સુધી અંધશ્રદ્ધા માથે ચડી,
શ્રધ્ધાના કરાવે ખાલી મકાન એ તો ઈશ્વર છે.
ભૂલું પડેલું પરબીડિયું દ્વાર ખખડાવે ગરીબીનું,
ત્યારે ટપાલી જ એને મન એ તો ઈશ્વર છે,
પ્રભુ પધરામણી એક માત્ર વિકલ્પ સુખ સ્મૃધિનો,
કહી ને સુધારે છે કોનું જીવન એ તો ઈશ્વર છે
નામ હોવું જ પૂરતું છે 'જનાર્દન' ઇબાદતમા,
ભજન હો કે ગઝલ બધું સમાન એ તો ઈશ્વર છે.
--- જનાર્દન દવે
No comments:
Post a Comment