હવે હું જીવનમાં બરોબર
ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ
સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો
તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે
ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે
તાર કરવાનું પણ ચૂકતો નથી.
ઓફિસમાં બધા હસતા ચહેરા
નિર્દોષ જ હોય
એમ માનું એવો
બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે
એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન'તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.
- વિપિન પરીખ
No comments:
Post a Comment