Sunday, 2 October 2016

ગઝલ

હ્યદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.

તમારી હોય જો ઈચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.

સહન હું તો કરી લઉં છું, ન સહવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ ઝખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં, આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજુ શું છે ?
મહોબ્બત હોય જો 'કામિલ' તો ખુદ પાસે ખુદા આવે.

શ્રી 'કામિલ' વટવા સાહેબ

No comments:

Post a Comment