Friday, 21 October 2016

ગઝલ

ઓ સિતારા ક્યાં તને એ ખ્યાલ છે
ચાંદ પણ તારા વિના કંગાળ છે

સાંજ થઇ, વિદાય વેળા થઇ, રડે
સૂર્યની જો આંખ કેવી લાલ છે!

આમ તો હું પણ ઝાળાહળ સૂર્ય છું
હાલ જોકે રાત જેવા હાલ છે

એટલે જાગી રહું છું રાતભર
યાદના તારાઓથી બહુ વ્હાલ છે

ચાલ કંઈ ગેબી રમે છે ફૂલડાં
બાગ જેવો બાગ પણ બેહાલ છે

દર્દ ભીનું રાતભર ગળતું રહ્યું
ઘાસ પર ઝાકળ ભીનો રૂમાલ છે

આજ હમણા હાલ અત્યારે જ છે
પ્રેમમાં ક્યાં આવતી કઈ કાલ છે?

મૂક જે તું સાચવીને હર કદમ
કેટલી મોઘમ જીવનની ચાલ છે

એકધારો એક તારો સાથ છે
દુન્યવી સંબંધમાં બેહાલ છે

દૂર ઈશ્વરથી નથી મંથન કદી
માત્ર વચે શ્વાસની દીવાલ છે

== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment