Friday, 14 July 2017

ગઝલ

એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.

આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.

કંઇ પણ નથી નો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે. 

દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.

આ નામ ને આ સુરખી, પીચ્છાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.

ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.

નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.

____ લક્ષ્મી ડોબરિયા

No comments:

Post a Comment