આવશે જો યમદુતો તો હું યચાવું છું મને,
ફાવશે જો મૃત્યુ આજે હું ખપાવું છું મને.
ખાંપણોના થાય સોદા આજ મારા આંગણે,
ડાકલાંના નાદ સાથે હું વળાવું છું મને.
હા કફનમાં કંકુ કેરા રંગ પૂરી આપજો,
રક્તકેરી ભાત પાડી, હું સજાવું છું મને.
થાય ભેગા લોક પાછા અશ્રુ સારે ખાર ના,
કાફલાને હાંક મારી હું ધપાવું છું મને.
જ્યાં વિસામો આવશે ને આ ચરણને ફેરવે,
બાંધવા ના છે ચરણને? હું ચલાવું છું મને!
લથપથે છે દેહ ઘીથી એ ન કોરો રાખશો,
લાકડાના હાડ ફાડી હું જલાવું છું મને.
પીંડદાને મૂકવાનું ભૂલતા નૈ ઝેરને,
છું કજલ! ને મોતમાં પણ હું નચાવું છું મને.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment