Monday, 21 November 2016

ગઝલ

આ ગઝલ લખવાની તો લત છે હજી,
એ જ મારી તો ઈબાદત  છે હજી!

નામ ભૂલી ના શકાયું એ કદી,
ભૂલવાની જો કે આદત છે હજી!

ના જરા પણ ખૂટવાની છે કદી,
દર્દની દોલત સલામત છે હજી! *

ચિત્ર અદ્ભુત તારું હું દોરી શકું,
પીંછીમાં મારી કરામત છે હજી!

ના તું એ સમજી શકી કોઈ દિવસ,
લાગણીની પણ જો, કિંમત છે હજી!

આપણે સાંજે કદી મળતાં હતાં,
એ અડીખમ જો, ઈમારત છે હજી !

ના કશું બાકી રહ્યું છે આમ તો,
આવવાની ત્યાં કયામત છે હજી!

રાહ તારી આંખો આ જોયા કરે,
એની ભીતર સપનાં અક્ષત છે હજી !

ના કશી પણ ચિંતા સ્પર્શે છે મને,
એની મારા પર ઈનાયત છે હજી!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment