Monday, 21 November 2016

ગીત

આજ મારી  બોરડીને આવ્યાં  છે  બોર,
અલ્યા ,  વાડ  કરી  દઉં  ચારે  કોર........
                આજ  મારી. .....

ધોળાં ઝીણેરાં એ  ફૂલોથી ઓપતી,
નનકેરાં ગોળ ગોળ પાંદડિયે શોભતી,
એના  રૂપ માથે  કાંટા  ઓળઘોળ,
મારી  બોરડીને  આવ્યાં છે  બોર. ....

પાલવમાં પોઢાડે માત  જેમ  બાળને ,
લપાયાં પાંદડિયે  ચીપકીને ડાળને ,
જાણે    ટાબરિયાં   ગોળમટોળ,
મારી  બોરડીને  આવ્યાં છે  બોર. ....

પાંદડાંની કોરેથી  મીઠુ મીઠુ  મલકે ,
પીળી  ચમક એની  આંખોમાં  છલકે ,
મહીં   ખાટીમીઠી છોળમછોળ ,
મારી  બોરડીને  આવ્યાં છે  બોર. .

જોબનને  ભારે નમી જાણે  નમણી છે,
લચી  લાવણ્યથી  જાણે  કોઇ  રમણી છે
હવે  જીભલડી થૈ  છે   તરબોળ,    મારી  બોરડીને  આવ્યાં છે  બોર .....

'દાજી'

No comments:

Post a Comment