Monday, 21 November 2016

ગીત

ગીત

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .

છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .

બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .

દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .
 
કૃષ્ણ દવે

No comments:

Post a Comment