આભે ઉતરી ભાળી
આભેથી ઉતરી
રંગ પડીકે ચિતરી
ભાવે નીતરી,
કિરણ તરણાં કુંડે પાંગરતી પરસાળ
ઝાકળ ભીનાં તરણાં પર બોછાર;
ખળખળ ખળખળ ઝરણાં રેલે દદળી,
જલતરંગે વાયુ લ્હેરે ઉડતી માછલિયુંની આંખે ફરફર પાંખે.
ચિતરે મોર જોર ભીતરવું ભંડારી
તૂટ્યા ટહુકે તોર
લટકે હવા રવા થઈ પાનપાન જઇ પૂગે
પાદરના વડલાની ડાળ બનીને ઝૂલે;
માળા ગૂંથી તરણાનાં તરજૂમે
સુગરી છેલ્લી ડાળે કૂવા પાળે.
ઘેટાં રસ્તે વાળે
ડાંભૂ ભરતો દૂધમલિયો ગોવાલ ગરજે
હીહીના ડચકારે જાગે ગામ.
શેરી રસ્તા ચોકલોકનાં પગલાં ગણે
હય તણાં હલકારા ગણે
પલકારાનાં પાંગત તાણી
બંસી સૂર સમી ઉભરાતી પ્રીતે
લાગણિયું હીંચોળે ડાળ ડાળના વાયુ
દોરામાં થઈ મૂળનાં હેત બની પંપાળે;
પર્વત ટોચે વાદલડીનાં નેવાં
દોડી ઉભડક ઉભડક બેસે;
ડચકા લેતો સૂરજ છીપલી બારો
હાથી છબછબ નાયો
ચકલી ચાંચ ધરીને થાકી
પાકી ભીના ભાવે,
હંસારાણા પૂછે:
શું છે ? શું છે ?
ચણવા જેવું
લણવા જેવું
ડૂંડૂ મોભ પલાણી ઊભું
ગાંગરવું ગણવા જેવું
એકલ મુખી ખીજડો
જોગી જટા વનરાજી
પડખે તરણાં લવકે હાજી
છેટે આંબા રધમકે હાજી
ગાગર કોરી રણકે હાજી
જમના નીર ભરીને આવું
ગાગર રેઢી રીઢી લઈ આવું
શેરી કલરવ કરતી આવું;
વનની કોયલ જેવું કાળું
બંઘાંતી આંખો જેવું કાળું;
તેતર ખેતર લઈને ચાલ્યું
ઝીંડવા ધલવલ લઈને હાલ્યું
જીપટો જાલી મૂળસોતરું હાલ્યું
સસલું કંપન ભરતું શૂળે
જંતું લથબથ ભર્યું મૂળે
ઝરમર ઝરમર આંખો ઢાળી
તરુવર વાંકી ડાળી:
આ ઢળિયો બળિયો હાજી
આ ભાજી રાજી હાજી
કર્યા ચણાક કરતા ચોખો,
ચિતડે થાણું નાખી રાજી
ચલમું પીધી આખી રાતે રાજી
પિંડડી બીતી બીતી બળે હાજી
ચોગમ ચોકી નોખી હાજી
વાળી ફળિયામાંથી લીંડી
બળ્યા ઈંડિયા પીંડિયા
શમણાં વરસ્યાં હમણાં રાજી
દરિયા છલકે મલકે હાજી
આ તો પરપોટામાં પાણી હાજી
ઘડાંગ્ કરતાં ફૂટયા
બાંધ્યા દોરા તૂટયા
વહેતી જલની ધારા
પાસા પડી ગયા પોબારા
નદિયું બેય કાંઠારી હલકે
કાઠાળી ઠીકરિયું મલકે
ભેખડ ખોલી ખૂંપે:
થઈ જાતી રખવાઈ હવે ના કણસે
ખોટે ખોટી ના વણસે નૂરતસૂરત
સૂરત નૂરત અવળું સવળું હાલે,
અેક ખૂણેરું વાગ્યું જંતર
સઘળા તોડી તંતર
સઘળા મૂકી મંતર
ઊંડે ઊંડે નજરું ખોડી;
લબલબ જીભડી બંધ
કુણી મલક વાતો બંધ
લ્હેરી ગલપચીની બંધ
નેજવું તાણતી નજરું બંધ
ખટપટ પાંગરતી ના કૂપે થઈ ગઈ બંધ;
ગઢની ભીતર વગડે પાવા
ફૂંફવે કૂવામાંથી બારા
હોશ જોશના કેોસ સામટા ખેંચી;
નીકળે જલધારા છૂટી
વહેતી રહેતી એકધારી
કોડ ભરેલી મદમાતી થઈ ગઈ મૌન
બેડાં દૂજયાં રુપના રેલે
ચૂંદડી ઓઢી અનામ હેરી;
છેડે બાંધી સાંધી સવા રુપિયો સમજો
લાપસિયુંનાં આંધણ સમજો
ખીલ્લાં ઝીંકી બાંધ્યા સમજો
ઢળતી સાંજે બજાર મહેકી સમજો
નજરું સચરાચરની દમકી સમજો
રણકે છનનન છનનન સોનપરીના
ઝાંઝર સપના અપના થઇને વળગે,
આલોકે સાંજ સવારનો તડકો થઈને
હેલી વરસી રેલી થઈને
ગાંગરતી વરતી વ્હેતી
રાત બનીને વ્હેતી
તગતગ આંખે દીઠી વ્હેતી
મોરપીંછવા માધવ લૈ ગ્યો વ્હેતી:
મનડું માજમ રાતે મૂંગું સરવા કાને
સરગમ હેડકિયુંની હેલી
ભીંતે તોરણ થઈને લટકે
ઉંબરનાં ઓશિકે જઈ અટકે;
મબલખ પાક્યાં મોતી
ખૂલી સહેજે સહેજે બારી
નસનસ સહેજે સહેજે છૂટી
ખૂલી સહેજે સહેજે ડેલી,
લટકે તલભર તાલું
મલી રજભર ચાવી
વાળી સહેજે સહેજે વરતી
ચોગરદમ આવી ભરતી
આભે જઈને ઉતરતી......
ડૉ. ભાવેશ જેતપરિયા
.
No comments:
Post a Comment