ઘાસમાં બેઠો છું હું 'ને એટલો ઠંડો પવન સુસવાય છે.
આવનારા જન્મોમાં બનનારી ઘટનાઓ મને દેખાય છે...
મસ્ત પંક્તિ આવી'તી કિન્તુ અચાનક ક્યાંક અે ચાલી ગઈ
જો હૃદયથી પ્રાર્થના એને કરો તો પાછી આવી જાય છે.
જેને ભીતરના પ્રવાસે જાવું હો એનેય વીઝા જોઈએ,
હું ય તારી જેમ શોધું છું કે અરજી કેવીરીતે થાય છે?
વ્યસ્ત હો એવી ઘડીમાં એક સપનું બારણાં ખખડાવતું
હાથ આગળિયા તરફ ભાગી રહ્યા, રોક્યા ન એ રોકાય છે.
પીપળાનાં મૂળમાં રેડેલું પાણી પૂર્વજો પાસે ગયું,
હું સ્વયંના પગ પખાળું છું અને મારી તરસ છિપાય છે.
- કુલદીપ કારિયા
No comments:
Post a Comment