Sunday, 27 November 2016

गझल

કવિવર રમેશ પારેખને હૃદયાંજલિ..

ભીંત ખખડાવો તો?
તો?
આ તે કંઈ ર.પા.ની કવિતા છે  તે,
કાંકરાય હોંકારો દેશે?

ને  એય.. જો 
કવિતામાં ભીંતો પાસેથી હોંકારા જોઈતા હોય ને તો,

અમરેલી માં જનમવું પડે, ને તેય 'રમેશ'નામ ધરી..
આ નકરા 'મેશ'ની આગળ 'ર' લગાવી દીધે કાંઈ નો
થાય બાપ..

ઈ સારું તો-
પાંપણોમાં અદાલત  ભરવી પડે,
ને  વરસાદના ટીપાનેય છબીમાં મઢવું પડે..
કાગડો મરી જાય  તિયારેય મૂછોને ખમ્મા કરીને કવિતા ટીપવી પડે લ્યો!

આટલું  કયરા પછી ય
કવિતામાં કાંકરા હોંકારા દેશે ઈ ભરમમાં નો  રે'તા બાપ..

કવિતા લખી લખીને
આંગળી એવી તો રાતીચટ્ટક  થઈ જવી ખપે
કે પછી પાણી ઘોળોને તો એય કંકુ થઈ જાય!

હરિય પછી રાજી થઈને
સપનામાં આવે, બોલાવે, ઝુલાવે, ને વ્હાલીયે કરે..

ને આપણેય કેવા લાડ -
કે ગુમાનમાં રહીએ, ને હરિ સંગ ના  બોલીએને તોય
કવિતામાં ભીંત ખખડે ને કાંકરા હોંકારો દે!

તો અત્તારે?
અત્તારે શું વળી? ખખડાવે રાખો ભીંતો - તમતમારે..

~~ રાજુલ ભાનુશાલી

No comments:

Post a Comment