Monday, 30 January 2017

ગઝલ

ક્યાં સુધી તકદીર ઉપર ઢોળવાનું?
જ્યાં કશે પણ સુખ મળે, ફંફોળવાનું;

તાલ એ એથી મિલાવી ના શક્યાં!
એમણે મૂક્યું નથી વાગોળવાનું;

પોત ફાડીને ય એ બ્હાર આવશે,
હોય છે જેના ગજામાં કોળવાનું!

પોતપોતાનું અલગ છે દર્દ અહીં,
પોતપોતાનું જ કારણ ખોળવાનું;

હું ય શીખી ગ્યો નવી આ રીતને,
આપણું પલ્લું જ નમતું તોળવાનું;

એ તરીને ક્યાંય લ્યો, પહોંચી ગયાં!
આપણે ભાગે રહ્યું પગ બોળવાનું;

કેટલી નિરાંત લઈ સૂતો હશે!
છોડ તું એને હવે ઢંઢોળવાનું.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment