ગનીભાઈ દહીંવાલાની પંક્તિ પરથી રચનાં...
સ્થિર સરવરનાં હતાં પાણી, ઉછળતા થૈ ગયા,
યાદના વાદળ એ ઓચિંતા ગરજતાં થૈ ગયા,
લાગણીનો સ્પર્શ હુંફાળૉ મળ્યો તારો જરાં,
સ્પંદનો મારાં થીજેલા જો, ધબકતા થૈ ગયા,
ટેરવાએથી ખર્યા જો શબ્દપુષ્પો સ્પર્શના,
રેતનાં મૃગજળ અચાનક જળ નિતરતા થૈ ગયા
વેદનાનાં સર્વ ટોળાં લ્યો વિખેરાઈ ગયાં
અશ્રુઓ આનંદનાં આંખે વરસતા થૈ ગયા,
પાંપણે જયાં જ્યાં લટકતા મોતી ઝુમ્મરો આંસુના,
ત્યાં હવે ઝાંઝર સપનાનાં ઝણકતાં થૈ ગયા,
હાથ પર જો નામ તારું "ચંદ્રમા" જ્યાં લખ્યું,
ચાંદ મારી રાતના સઘળા ચમકતા થૈ ગયા,
શ્વાસ તારાં જયાં લપેટી વસ્ત્ર સમ ઓઢું તને,
અંગ મારાં રેશમી, પીંછા સરકતા થૈ ગયા,
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment