ગઝલ
સૂરજ જેવા સૂરજને પણ ભીતર રાખી બેઠાં છે
અંધારાને દૂર કરી અજવાળા થામી બેઠાં છે
સ્વપ્ન નહીં પણ જીવન છે આ એવું જયારે સમજાયું
નર્ક સમી કાળી ઘટનાને કેવાં સાખી બેઠાં છે !
રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા આપીને
અઘરાં અઘરાં પ્રશ્રોને પણ ઝટ સુલઝાવી બેઠાં છે
રસ્તો, પાંખો , દિશા જેવું કયાંય નથી દેખાતું તોય
આતમ્ પંખી જોને કેવાં શ્ર્વાસ સજાવી બેઠાં છે
ગામ ગલીને પાદર છોડી, દોટ લગાવી પામ્યા શું?
મમતાનો પાલવ પણ જોને આજ ગુમાવી બેઠાં છે
ધારું તો સૂરજ ઉગે , પણ ખેડ નજાકતની રાખી
ફૂલોને સ્પશીઁ લેવા તો ઝાકળ વાવી બેઠાં છે
જીવન છે તો જીવી લેવું હાર મળે કે જીત પછી
ભયની સામે હિંમત મુકી દાવ લગાવી બેઠાં છે
--કવયિત્રી--પ્રજ્ઞા વશી -સુરત
No comments:
Post a Comment