Monday, 30 January 2017

ગઝલ

અહિંસા ને અહિંસાનું રટણ ના લાવજે ગાંધી ,
ફરી જન્મે તો તું બંદુક લઈને આવજે ગાંધી !

નથી જડતી દિશા અમને કે કઈ બાજુ જવાનું છે ,
નવી મંઝીલ ,નવા રસ્તા ફરી બતલાવજે ગાંધી !

વટાવીને ફરે છે ઠાઠથી તારા અસુલોને ,
નપાવટ લોકના એ ટોળાને તતડાવજે ગાંધી !

તમાચો એક ગાલે જો પડે બીજો ધરી દેવો ,
પડે જો બન્ને ગાલે તો પછી ફફડાવજે ગાંધી !

ભજન " વૈષ્ણવ જન તો એને કહીએ " ના હવે ચાલે ,
નવી પેઢીના લોકોને નવીન ગવડાવજે ગાંધી !

નથી ફરતા પરત જે જાય છે દુનિયાને છોડી ને ,
હકીકત છે છતાં, જો શક્ય હો તો આવજે ગાંધી !

Mehul Patel

No comments:

Post a Comment