ગઈ કાલે અચાનક મારા ભાગે એક અઘરું કામ આવી પડ્યું...
મારે દુનિયાનો નકશો દોરીને સમજાવવાનો હતો....
શું કરું? મે તો હજી પૂરી દુનિયા જોઇ પણ નથી.
જેમ-તેમ નકશો દોરી તો દીધો પણ.....
સમજાવતી વેળાએ તારા એક એક સ્પર્શથી મારામાં વહેતા થયેલાં
શબ્દોમાં છેવટે તું જ નખશિખ વ્યક્ત થયો.
તારામાં જંગલોની ગાઢતા અને ગૂઢતા મે અનુભવી છે....
ક્યારેક તારી મારા તરફની ઊર્મિઓ તોફાની બને તો સૂનામી...
ને ક્યારેક નદીની જેમ મને નખશિખ સમાવી લે એવો મહાસાગર એટલે તું.
તારા નામે લખાયેલાં મારા સપનાઓની આવન-જાવન
હવાઈ-જહાજની જેમ જ આ દુનિયામાં થતી રહે છે....
જેને આજ સુધી કોઇ દુશ્મન તોડી શક્યો નથી.
તારી યાદોની ટ્રેનનાં એક એક સિગ્નલનો ગ્રાફ
બધાં મારી આંખોમાં પરફેક્ટ વાંચી લે છે.
અંતે મને સમજાયું,
“તું જ મારી પરફેક્ટ દુનિયા છે...
હવે મારે દુનિયાનો નકશો ગોખવો નહિ પડે...”
SHAILESH JOSHI "AARYAN"
No comments:
Post a Comment