Monday, 30 January 2017

ગઝલ

હુંપણાને  વ્હેરવાનો  થાક લાગે છે  મને,
રોજ મ્હોરાં પ્હેરવાંનો થાક લાગે છે મને,

રેખ મનગમતી નથી દોરી શકાતી હાથમાં,
સાવ અણઘડ ટેરવાનો થાક લાગે છે મને.

આ સમય પીધા કરે છે જાતની સિગારને,
રાખને  ખંખેરવાનો  થાક  લાગે છે  મને.

માંડ મુઠ્ઠી સ્વપ્નને ભેગાં કરેલા હોય ને,
એ જ પાછા વેરવાનો થાક લાગે છે મને.

રેશમી દોરી સમુંયે કોઈના અસ્તિત્વને,
ચોતરફથી ઘેરવાનો થાક લાગે છે મને.

                            હર્ષા દવે.
                          28/1/17

No comments:

Post a Comment