Wednesday, 25 January 2017

ગજલ

એમ ચારેકોર ચર્ચાઈ ગયો,
વાંક ન્હોતો પણ વગોવાઈ ગયો!

જીંદગીભરનો કરેલો વાયદો,
એક સપનું થઈને સચવાઈ ગયો!

આપણો કહેવાતો એ સારો સમય,
ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો!

પીઠ પાછળ હાથ જે ફરતો હતો,
એક કપરી પળમાં પરખાઈ ગયો!

એક અવસર જેમ હોવું આપણું;
ધૂમથી ઉજવાયો, વિસરાઈ ગયો!

શ્વાસ નામેરી હવાને સંઘરી,
દેહનો ફુગ્ગો ય ફૂલાઈ ગયો!

જીંદગી! જીવવું તને ભારે પડ્યું!
હું અમસ્તો સાવ અંજાઈ ગયો;

"પાર્થ" આ ભીતર વલોવાતો ડૂમો,
શબ્દના હોવાથી સચવાઈ ગયો!

: હિમલ પંડ્યા "પાર્થ"
૨૪-૦૧-૨૦૧૭

No comments:

Post a Comment