Thursday, 26 January 2017

ગઝલ

બે સિતારા બાખડે છે, એમ જો વાવડ મળે,
વાત વ્યાપે આસમાને ,કે ન એની ગડ મળે

વીજળી ચમકે અચાનક થઇ અચંબિત આભલે,
ગર્જના પણ મેઘની અટહાસ્ય સમ ખડ ખડ મળે

સાંભળીને હાસ્ય એ ધ્રુજી ધરા ભડકે ગગન
ચાંદની પણ થરથરે વાતની ક્યાં જડ મળે

ત્યાં અદાલત બેસતી સપ્તર્ષિ કેરી તાકીદે
કેમ અફવા ફેલતી વડવાઇનું પણ વડ મળે,

લ્યો બધાં ટોળે વળી વાતો સિતારાની કરે,
બે સિતારા હાથતાળી દઇ ગળે અલ્લડ મળે,

જોઇ આવું દૃશ્ય બુલબુલ ગીત પણ ગાયા કરે,
કાનમાં ફુલને કહીને બાગમાં ચડ ભડ મળે,

આંખ મિચકારી ભ્રમર વાતો સિતારાને કરે
આપણે કેવાં ડરાવ્યા ! કેવી જો હડ બડ મળે

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment