Wednesday, 22 February 2017

ગઝલ

ચીજ-વસ્તુઓ  ખરીદારીઓ જોતા હોય છે
ને   નફા નુકશાન   વેપારીઓ જોતા હોય છે !

સુખ અને દુ:ખના વિચારો આવતા હોતા નથી
એવી બાબત  માત્ર  સંસારીઓ જોતા હોય છે !

આપીને  મત  જે  બનાવે  છે  અહીં  સરકારને
એની  અરજીઓ  અધિકારીઓ  જોતા હોય છે !

પ્રેમ   કરતા  હોય  છે  તે  પ્રેમ  કરતા   હોય છે
ને  બીજા  તેઓની  લાચારીઓ જોતા હોય છે !

યુદ્ધનાં   મેદાનમાં   તે     ઉતરે   છે     બાદમાં
પહેલા  તે   દુશ્મનની તૈયારીઓ જોતા હોય છે !

મિત્રતા  બંધાઇ   જાતી   હોય    તેના  મૂળમાં
એકબીજાની   સમજદારીઓ  જોતા  હોય  છે !

- ભરત વિંઝુડા

No comments:

Post a Comment