શ્રી જયેન્દ્ર શેખડીવાલાની ગિરહ પરથી તરહી રચના
*વળાંકે વળાંકે વળી જાય રસ્તો.*
સરેઆમ સરતા ન મૂંઝાય રસ્તો.
તમે એકધારા કદમથી વહો તો,
પલકમાં કદમ સંગ રેલાય રસ્તો.
કહી દો કદમને મૂકે છાપ એવી,
તમારા જ નામેથી અંકાય રસ્તો.
ગુજરશે પછી શ્વાસના રોજ સરઘસ
ને કણકણ થઇ રોજ વેરાય રસ્તો.
અડગ હો ઈરાદો જો મંજિલ જવાનો,
ગિરિના ઉદરમાં ય ભોંકાય રસ્તો.
મળી જાય જો હમકદમ સાથ સુંદર,
પછી ચંદ્રની જેમ ટૂંકાય રસ્તો.
જગતનો તમે અંત ઘરને ગણો છો,
ખરેખર ઘરેથી શરૂ થાય રસ્તો.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment