Wednesday, 22 February 2017

અછાંદસ

હું ગણેશજી નું
પ્રતિનિધિત્વ કરતી
એક ભારતીય સ્ત્રી. .
મૈયરની માટીથી
ઘડાયેલી
અનિર્ધારીત સ્થાપનાદિન
વચ્ચે
સાસરે સ્થાપિત થવા
માયરેથી માંડવા વચ્ચેના
રસ્તે, હું જાતે જ
વિસર્જિત કરતી આવું છું
મારી ઓળખ,
મારું અસ્તિત્વ
દર વર્ષે ઉજવાતા
દસ દહાડાના ઉત્સવ કરતા
મારું અનિશ્ચિત હોવાપણું
ને અણધાર્યુ વિસર્જન
ક્યારેય કોઈ સવાલ
ઊભા નથી કરતું
કેમ કે મોટુંપેટ ને
લાંબા કાન સાથે
મને મર્યાદાની સૂંઢ
હમેશા રોકે છે વ્યક્ત થતા
એટલે જ બધું ધરબીને
હું અપમાનના દંતશૂલ
ના ઘા ખમતી
પરંપરા ના ઉંદર સહારે
મારી યાત્રા અવિરત
ચાલુ રાખું છું

-  ©હેમશીલા માહેશ્વરી"શીલ"

No comments:

Post a Comment